ગુરુવારે 10.40થી પૂનમ,

રક્ષાબંધનનું પહેલું મુહૂર્ત સવારે 11.08થી

ગુરુવારે 10.40થી પૂનમ, રક્ષાબંધનનું પહેલું મુહૂર્ત સવારે 11.08થી

ભાઈ-બહેનનો પ્રિય પર્વ રક્ષા બંધન ગુરુવારે આવી રહ્યો છે. તા. 11 ઑગસ્ટે સવારે 10.40 વાગ્યાથી શ્રાવણ સુદ પૂનમ બેસે છે. આ દિવસે વ્રતની પૂનમ પણ મનાવવામાં આવશે. જ્યોતિષીના જણાવ્યા અનુસાર લોકભાષામાં બળેવને બ્રાહ્મણોની દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. શ્રાવણ માસમાં આવા દિવસે શિવલિંગ પર શુદ્ધ જળ સાથે કાચા દૂધમાં કાળા તલ નાખીને દેવાધિદેવ મહાદેવને અભિષેક કરવાથી ભૌતિક જગતના સુખ સાથે મોક્ષની પ્રાપ્તિ થાય છે. વધુમાં આવા દિવસે કમળનાં પુષ્પ અર્પણ કરવાનો વિશેષ મહિમા શિવપુરાણમાં આલેખાયો છે.

વિદ્યાર્થીગણે આજના દિવસે વિદ્યાની પ્રાપ્તિ માટે ગાયના દૂધનો અભિષેક કરવો તેમજ વિદ્વાનો પાસે રૂદ્રાભિષેક પણ કરાવી શકાય. એકી સંખ્યામાં ‘મહામૃત્યુંજય જપ’ કરવાથી આયુ, આરોગ્યની સુખાકારી વધશે તેમ જ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓમાંથી રાહત મળશે. સાથોસાથ આજના દિવસે રૂદ્રીપાઠનું શ્રવણ કે વાંચન કરવાનું પણ વિશિષ્ટ મહત્ત્વ રહેલું છે.

રક્ષાબંધનના શુભ મુહૂર્ત

ચલ ચોઘડિયું સવારે:  11.08થી 12.47
લાભ ચોઘડિયું બપોરે:  12.47થી 2.25
અમૃત ચોઘડિયું બપોરે:  2.25થી 04.03
શુભ ચોઘડિયું સાંજે:  5.41થી 07.19
અમૃત ચોઘડિયું રાત્રે:  07.19થી 08.41
ચલ ચોઘડિયું રાત્રે:  08.41થી 10.03

શાસ્ત્ર મુજબ રક્ષા કોણ બાંધી શકે?

શાસ્ત્ર મુજબ માતા, ગુરુ, બહેન રક્ષાસૂત્ર બાંધી શકે છે. ઉપરાંત ભૂદેવ પોતાના યજમાનને, રાજપુરોહિત રાજાને રક્ષાસૂત્ર બાંધે છે. શરક્ષાસૂત્ર વ્યક્તિને અનેક મુશ્કેલીમાંથી ઉગારી લે છે. તેનું ઉત્તમ ઉદાહરણ આપણા ધર્મગ્રંથો અનુસાર મહાભારતમાં જોવા મળે છે, જેમાં કુંતી માતાએ પૌત્ર અભિમન્યુને રક્ષાસૂત્ર બાંધ્યું તેનાથી 6-6 કોઠા હેમખેમ પાર ઊતર્યો હતો.